દાંડી યાત્રિકોના મુકામને દર્શનિય બનાવવા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલની જહેમત.
રાષ્ટ્રીય પુરસ્કૃત , ઐતિહાસિક ગામ રાસ, આણંદ અને બોરિયાવીમાં મહાત્મા ગાંધી સ્મારક બનાવવા કેન્દ્રમાં પર્યટન મંત્રીને રજૂઆત.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશભરમાં સૌ પ્રથમ ઉજવણીનો પ્રારંભ ગુજરાત રાજ્યથી કરવામાં આવ્યો છે. દાંડીકુચની ૯૧મી વરસી ધ્યાનમાં રાખીને આઝાદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીનુ આયોજન નિશ્ચિત કરવામાં આવ્યુ હતું.આઝાદીની ચળવળ માટે મહત્વપૂર્ણ બનેલ વર્ષ ૧૯૩૦ની દાંડીકૂચની વરસી નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી નિકળેલી પ્રતિક દાંડી યાત્રાનુ ગતરોજ દાંડી ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાયડુ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાપન થયું.
સાબરમતી આશ્રમથી ગત ૧૨મી માર્ચે પ્રસ્થાન થયેલ દાંડીયાત્રા આણંદના દાંડી માર્ગે પગપાળા પસાર થઈ હતી. યાત્રિકોને આણંદના બોરિયાવી ગામથી પ્રવેશથી માંડીને કંકાપુરા મહીકાંઠા વિસ્તાર સુધી ખુબ જ આવકાર આપી અભિવાદન કરવામાં આવ્યું હતુ. આણંદના દાંડી માર્ગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર સહીત , ભાજપના જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી રમણભાઈ સોલંકી, પુર્વ સાંસદ દિપકભાઈ પટેલ સાથી સહિત સૌ કોઇ પગપાળા જોડાયા હતા.
યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં વસવાટ કરતા નાગરિકો અને યાત્રામાં ગુજરાત રાજ્યમાંથી ૮૧ યાત્રિકો સહિત વિવિધ ૧૭ રાજ્યમાંથી ગાંધી ચાહકો પ્રતિક દાંડી યાત્રામાં જોડાયેલા હતા. યાત્રા દરમિયાન જ આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે ભારત સરકારના પર્યટન અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી પ્રહલાદસિહ પટેલને લેખીત રજુઆત કરી હતી કે આણંદના લોકસભા સંસદીય વિસ્તારમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના રાત્રિ રોકાણના સ્થાન પર ગાંધી સ્મારકનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે. દાંડી માર્ગે આણંદના બોરિયાવી, આણંદ ડીએન હાઈસ્કૂલ અને ઐતિહાસિક રાસ ગામમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સાથે આવેલ ૭૮ લોકોએ મુકામ કર્યો હતો. આવા મુકામને દર્શનિય બનાવવા અને વિકસિત બનાવવાનો નિર્ધાર વ્યકત કરાયો છે.