૨૮ જેટલાં વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું
જિલ્લામાં હજી વધુ પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજવા માટે તૈયારી
-કલેકટર શ્રી આર.જી. ગોહિલ
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણના દોરમાં સૌ પ્રથમ વાર પ્લાઝમાં ડોનેશન કેમ્પનું બાંધણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ જેટલા વ્યક્તિઓએ પોતાના પ્લાઝમાનું દાન કર્યું
હતું.એક નાનકડા ગામમાં અને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓછી સુવિધાઓ વચ્ચે તબીબો અને નર્સોએ પ્લાઝમાં એકત્ર કરીને સફળતા મેળવી હતી. આ કેમ્પમાં આણંદ જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી
અને હાલ ગાંધીનગર પ્રાદેશિક મ્યુનિસીપલના કમિશ્નર શ્રી અમિત પ્રકાશ યાદવે પણ આણંદ જિલ્લાનું ઋણ અદા કરીને પોતાનું પ્લાઝમાં ડોનેટ કર્યું હતું.
કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારે હાજર રહીને પ્લાઝમા દાતાઓની સેવાની સરાહના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલે જણાવ્યું કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનાં સંયુક્ત પ્રયાસોથી પ્લાઝમાં ડોનેશન કેમ્પ સફળ બન્યો છે.
વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે સાજા થયેલ દર્દીઓ પ્લાઝમાં ડોનેશન માટે આગળ આવે તો જિલ્લામાં હજુ વધુ કેમ્પો યોજવાની તૈયારી બતાવી હતી.
બાંધણી ખાતે યોજાયેલ પ્લાઝમાં ડોનેશન કેમ્પમાં પ્લાઝમાં ડોનેશન કરવા માટે કુલ ૪૨ લોકોએ નામ નોંધાવ્યા હતા જેમાંથી ૨૮ વ્યક્તિએ પ્લાઝમા ડોનેશન કર્યું જ્યારે ૭ વ્યક્તિએ બ્લડ ડોનેશન કર્યું હતું.
આ પ્રસંગે બાંધણીના મેડીકલ ઓફીસર ડૉ. ઝુબેર ઠાકોર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હેમસિંગ રાઠોડ અને પી.એચ.સી સ્ટાફના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.